જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં પાંચમો વર્ષાવિજ્ઞાન સેમિનાર સંપન્ન
જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પાંચમો વર્ષાવિજ્ઞાન સેમિનારનું આયોજન રાજકોટ મુરલીધર ફાર્મમાં કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ થી ૫૦ વર્ષનો અનુભવ ધરાવતા ૧૧ વર્ષાવિજ્ઞાન તજજ્ઞો શ્રી રમણિકભાઇ વામજા, શ્રી કિશોરભાઇ ભાડજા, શ્રી પરેશભાઇ ગોસ્વામી, શ્રી મોહનભાઇ દલસાણિયા, શ્રી ગોપાલભાઇ ચોવટિયા, શ્રી બાબુભાઇ રૂપાવટીયા, શ્રી બાબુભાઇ સુમણીયા, શ્રી ભિમભાઇ ઓડેદરા, શ્રી ભગવાનભાઇ સુરાણી, શ્રી ઉકાભાઇ આસોદરિયા ઉપસ્થિત રહ્યા હતાં. નિરક્ષર કિસાન મહિલા જીવતીબેન રોકડ ૫૦ વર્ષથી ફાગણના ફૂલ અને વર્ષાઋતુમાં સર્જાતા કસના આધારે વરસાદની આગાહી કરે છે. એ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. આ વર્ષાવૈજ્ઞાનિકો કારતક સુદ પૂનમથી ચૈત્ર સુદ પૂનમના સમયમાં આકાશમાં બંધાતા કસ(સફેદ વાદળ), ચૈત્રી દનીયા, ભડલી વાક્યો, હોળી અને અક્ષય તૃતીયાની વહેલી સવારનો પવન, અક્ષય તૃતીયાના દિવસે બપોરના ૧૨ વાગ્યે ઊભા સળિયાનો પડછાયો , વૈશાખ વદ આઠમનો ચંદ્રમા ઉદય, બપૈયો, શિયાળ, સુગન ચીડીયા અને વિવિધ પશુ-પક્ષીની બોલી, જંગલના વૃક્ષો બોરડી, લીમડો જાંબુડોના ફળ-ફૂલ અને આંબાના મોરના આધારે વરસાદની આગાહી કરે છે.
